Congress Bharat Jodo Yatra: કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ શરૂઆત કરાવી હતી. 2024ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીની આ યાત્રાને કન્યાકુમારીથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ 3,500 કિમી યાત્રા 150 દિવસમાં પૂર્ણ થશે અને તેનું છેલ્લું સ્ટોપ કાશ્મીર હશે. આ યાત્રાને કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફૂંકવાની કવાયત તરીકે પણ જોવામાં આવી રહી છે. આ અંગે સોનિયા ગાંધી પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું હતું કે તેઓ તેમાં પૂરા દિલથી ભાગ લેશે.






પાર્ટી માટે સંજીવની તરીકે કામ કરશે


સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, આ ભવ્ય વારસો ધરાવતી અમારી મહાન પાર્ટી માટે ઐતિહાસિક અવસર છે. મને આશા છે કે આ અમારા સંગઠન માટે સંજીવનીનું કામ કરશે.  નોંધનીય છે કે સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે વિદેશમાં છે. તાજેતરમાં તેમની માતાનું અવસાન થયું છે.






રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું


કન્યાકુમારીથી પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું તમિલનાડુ આવીને ખૂબ જ ખુશ છું. આઝાદીના આટલા વર્ષો પછી પણ માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભારતના કરોડો લોકો ભારત જોડો યાત્રાની જરૂરિયાત અનુભવી રહ્યા છે. જો કેટલાક લોકો ધ્વજ તરફ જુએ છે, તો તેઓને ધ્વજમાં ત્રણ રંગ અને એક ચક્ર દેખાય છે. પણ એટલું જ નહીં, આના કરતાં પણ ઘણું બધું છે. અમને આ ધ્વજ એટલી સરળતાથી નથી મળ્યો.






રાહુલ ગાંધીએ કહ્યું કે આજે ભાજપ સરકારમાં દરેક સંસ્થા જોખમમાં છે. તેઓ આ ધ્વજને તેમની અંગત મિલકત માને છે. સમસ્યા એ છે કે તેઓ ભારતીય લોકોને સમજવામાં અસમર્થ છે. EDની પૂછપરછનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ગમે તેટલા કલાક પૂછપરછ કરી લે પરંતુએક પણ વિપક્ષી નેતા ડરવાનો નથી. રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપ વિચારે છે કે તેઓ આ દેશને ધર્મ, ભાષાના આધારે વિભાજિત કરી શકે છે. જે થઇ શકશે નહીં. આ દેશ હંમેશા એકજૂટ રહેશે. ભારત આજે સૌથી ખરાબ આર્થિક સંકટના યુગમાં છે.


મંગળવારે રાત્રે અહીં પહોંચેલા વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ તેમના પિતાના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતાએ તેમના પિતાના સ્મારક સ્થળ પર એક છોડ પણ રોપ્યો હતો. કોંગ્રેસની તમિલનાડુ એકમના વડા કેએસ અલાગીરી અને પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓ તેમની સાથે હતા. ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીની ત્રણ દાયકા પહેલા તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી.


રાહુલ ગાંધીએ જનસભા પહેલા કન્યાકુમારીના 'ગાંધી મંડપમ'માં પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ પછી તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તેમને રાષ્ટ્રધ્વજ સોંપ્યો હતો. યાત્રા શરૂ કરતા પહેલા રાહુલે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ, તિરુવલ્લુવર સ્ટેચ્યુ અને કામરાજ મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી. પદયાત્રા 11 સપ્ટેમ્બરે કેરળ પહોંચશે અને આગામી 18 દિવસ સુધી રાજ્યમાંથી પસાર થઈને 30 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચશે.