Supreme Court:  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના રૂદ્રાક્ષ અથવા ક્રોસ પહેરવાની હિજાબ સાથે તુલના કરી શકાય નહીં, કારણ કે તે વસ્તુઓ કપડાંની અંદર પહેરવામાં આવે છે. કર્ણાટક હિજાબ કેસ પર બીજા દિવસની સુનાવણી દરમિયાન કોર્ટે હિજાબ સમર્થક વકીલની દલીલ પર ટિપ્પણી કરી હતી. વરિષ્ઠ વકીલ દેવદત કામતે કહ્યું હતું કે કર્ણાટકમાં રૂદ્રાક્ષ કે ક્રોસ પહેરનાર વિદ્યાર્થીઓની કોઈ તપાસ થઇ રહી નથી ફક્ત હિજાબ પહેરેલી મુસ્લિમ છોકરીઓને રોકવામાં આવી રહી છે.






લગભગ 2 કલાક સુધી ચાલેલી સુનાવણીમાં એક કલાક સુધી કામતે દક્ષિણ આફ્રિકા, અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, તુર્કી, ઓસ્ટ્રિયા જેવા દેશોના ઘણા કેસના ઉદાહરણો આપ્યા હતા. જ્યારે તેમણે ભારતીય બંધારણ વિશે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે બે જજની બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ હેમંત ગુપ્તાએ હળવા અંદાજમાં કહ્યું હતું કે આખરે તમે ભારતમાં પાછા આવી ગયા. ત્યારબાદ વરિષ્ઠ વકીલે વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર અને ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતાના અધિકારની દલીલ કરી હતી. તેમણે બિનસાંપ્રદાયિકતાનો પણ ઉલ્લેખ કર્યો.


હિજાબ પહેરવાના સમર્થનમાં વકીલે શું દલીલો આપી?


દેવદત્ત કામતે કહ્યું કે બંધારણની કલમ 19 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન થઈ શકે છે જ્યારે તે કાયદો અને વ્યવસ્થા અથવા નૈતિકતા વિરુદ્ધ હોય. પરંતુ છોકરીઓ માટે હિજાબ પહેરવું આમાંની કોઈપણ બાબતની વિરુદ્ધ નથી. આના પર કોર્ટે કહ્યું, "હિજાબ પહેરવા પર કોઈ પ્રતિબંધ નથી. તેને માત્ર સ્કૂલમાં પહેરવાની મનાઈ છે, કારણ કે દરેક સાર્વજનિક સ્થળે ડ્રેસ કોડ હોય છે.


વરિષ્ઠ વકીલે કહ્યું કે કોઈ બુરખો કે જિલ્બાબ પહેરવાની માંગ કરી રહ્યું નથી. યુનિફોર્મનો પણ વિરોધ કરી રહ્યું નથી. માત્ર એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે છોકરીઓને તેમના માથા પર સમાન રંગના સ્કાર્ફ પહેરવાની છૂટ હોવી જોઈએ. વકીલે ધર્મનિરપેક્ષતાને બંધારણનો એક ભાગ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આના પર કોર્ટે કહ્યું, "આપણે હંમેશાથી બિનસાંપ્રદાયિક હતા. આ શબ્દને 1976માં બંધારણમાં ખાસ ઉમેરવામાં આવ્યો હતો."


સોલિસિટર જનરલે શું કહ્યું?


આજની સુનાવણીના અંતે જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધૂલિયાની બેન્ચે કહ્યું કે ગુરુવારે સવારે 11.30 વાગ્યે તેઓ સુનાવણી યથાવત રાખવામાં આવશે. અગાઉ, આજની સુનાવણી શરૂ થતાંની સાથે જ એડવોકેટ એજાઝ મકબૂલે કોર્ટને જણાવ્યું હતું કે, "મેં કોર્ટમાં તમામ 23 અરજીઓમાં જણાવેલ મુખ્ય મુદ્દાઓનું સંકલન સબમિટ કર્યું છે. મેં એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે અને તેને વકીલો સાથે શેર કર્યું છે. "


આના પર કર્ણાટક તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે મુદાઓનું વર્ગીકરણ કરવું જોઈએ અને તે મુજબ સુનાવણી કરવી જોઈએ. એવું ન થઇ શકે કે તેને બંધારણ સભાની ચર્ચાની જેમ લંબાવવામાં આવે."