નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસે તાંડવ મચાવ્યું છે. દરરોજ ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાય રહ્યાં છે. તેની વચ્ચે કૉંગ્રેસ(congress) અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કોરોના રાહત ટાસ્ક ફોર્સની રચના કરી છે. ટાસ્ટ ફોર્સની કમાન દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદને સોંપવામાં આવી છે. આ કમિટિમાં પ્રિયંકા ગાંધી, યુથ કોંગ્રેસ અધ્યક્ષ બી.વી. શ્રીનિવાસ, અંબિકા સોની, મુકુલ વાસનિક, પવનકુમાર બંસલ, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા, અજોય કુમાર, પવન ખેરા, ગુરદીપસિંહ સપ્પલના નામ શામેલ છે.
આ કમિટી દેશભરમાં કૉંગ્રેસ પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા રાહત કાર્યોમાં સમન્વય બનાવવું કામ કરશે. ઉલ્લેખીય છે કે, દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. વિપક્ષ પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર સમયસર તૈયારી ન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
તેમણે સોમવારે કેન્દ્ર પર જવાબદારીઓમાંથી હાથ ખંખેરી લેવાનો આક્ષેપ કરતા કહ્યું કે, રાષ્ટ્રીય ઈચ્છાશક્તિ અને સંકલ્પને પ્રદર્શિત કરવા માટે સર્વદળીય બેઠક બોલાવી જોઈએ.
સોનિયા ગાંધીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની ડિજિટલ બેઠકમાં કહ્યું હતું કે, તમામને રસી અપાવવી જોઈએ અને રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવો જોઈએ.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
કુલ મોત - 2 લાખ 49 હજાર 992
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.