નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister modi ) એ આવતા મહિને યોજાનાર G-7 સંમેલનમાં ભાગ લેવા યુકેની યાત્રા રદ કરી દીધી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, "યુકેના વડા પ્રધાન, બોરીસ જ્હોનસન દ્વારા G-7 સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદીને અપાયેલા આમંત્રણની પ્રશંસા કરીએ છે. પરંતુ, કોવિડ -19 ની વર્તમાન સ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે કે, વડાપ્રધાન મોદી G -7 પરિષદમાં વ્યક્તિગત રૂપે હાજર રહેશે નહીં."
કૉર્નવાલમાં બોરિસ જોનસનની અધ્યક્ષતામાં આ વર્ષે આયોજિત કરવામાં આવી રહેલી G-7 સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિય અને દક્ષિણ આફ્રિકાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. G-7 સમિટ 11 થી 13 જૂન વચ્ચે બ્રિટનના કાર્નિવાલમાં આયોજિત થવાની છે.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ક્વોડ નેતાઓ જેવા કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસન, જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા અને પીએમ મોદી વચ્ચે જી-7 સમ્મેલનમાં વ્યક્તિગત રીતે કોર્નવાલમાં બેઠક કરશે.
આ પહેલા આ ચાર નેતાઓ વચ્ચે 12 માર્ચે વર્ચ્યુઅલ બેઠક મળી હતી, જે ક્વાડ દેશોના નેતાઓ વચ્ચે પહેલી બેઠક હતી. જી -7 માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ શામેલ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બ્રિટિશ પીએમ બોરિસ જોનસનનો ભારત પ્રવાસ પણ બે વાર રદ કરવામાં આવ્યો છે. જોનસન 26 જાન્યુઆરીએ મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે બ્રિટનમાં કોરોના વાયરસ બેકાબૂ હતો, જેના કારણે તેણે તેમનો પ્રવાસ રદ કર્યો હતો. તેના બાદ જ્હોનસન 25 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના હતા, પરંતુ ત્યાં સુધીમાં ભારતમાં સંક્રમણ ઝડપથી વધવા લાગ્યું હતું, જેના કારણે તેનો પ્રવાસ ફરીથી રદ કરવામાં આવ્યો હતો.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
કુલ મોત - 2 લાખ 49 હજાર 992
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.