પણજીઃ કોગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. કોગ્રેસે રાજ્યપાલને પત્ર લખીને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે ધારાસભ્ય ફ્રાંસિસ ડિસૂઝાના નિધન બાદથી વિધાનસભામાં ભાજપના 13 ધારાસભ્ય છે. મનોહર પર્રિકરના નેતૃત્વની સરકાર લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે. એવામાં જે પાર્ટી અલ્પમતમાં છે તેને સરકારમાં રહેવાનો કોઇ અધિકાર નથી. અમે ઇચ્છીએ છીએ કે હાલની સરકારને સસ્પેન્ડ કરવામાં આવે અને સૌથી મોટી પાર્ટી કોગ્રેસને સરકાર બનાવવાની તક આપવામાં આવે. નોંધનીય છે કે ગોવાના પૂર્વ ઉપમુખ્યમંત્રી ફ્રાંસિસ ડિસૂઝાનું તાજેતરમાં જ નિધન થયું હતું. 64 વર્ષના ડિસૂઝા કેન્સરથી પીડિત હતા. તેમની સારવાર અમેરિકામાં ચાલી રહી હતી. તે ગોવામાં કોગ્રેસના ઉમેદવાર તરીકે 199માં ગોવા વિધાનસભામાં ચૂંટાયા હતા. બાદમાં ભાજપમાં સામેલ થઇ ગયા હતા. તે 2002, 2007, 2012 અને 2017માં પણ વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા. 2012માં મનોહર પર્રિકરના નેતૃત્વની સરકારમાં ડિસૂઝાને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા.
નોંધનીય છે કે 40 બેઠકોની ગોવા વિધાનસભામાં કોગ્રેસ સૌથી મોટી પાર્ટી છે અને તેમની પાસે 14 ધારાસભ્ય છે. જ્યારે ભાજપ પાસે 13 ધારાસભ્ય છે. ભાજપને મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના 3, ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ અને 2 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હાંસલ છે. નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી મનોહર પર્રિકર લાંબા સમયથી બીમાર છે.