પટનાઃ બિહારમાં એક ક્રૂરતાભરી ઘટના સામે આવી છે. રાજ્યના ગોપાલગંજ જિલ્લામાં એક ઘરના કામમાં બાકીના રૂપિયા લેવાના મામલે હત્યા થઇ છે. પૈસા લેવા ગયેલા એક ઠેકેદારને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો, જોકે, બાદમાં ઠેકેદારનુ મોત થઇ ગયુ હતુ.


ઘટના બિહાર રાજ્યના ગોપાલગંજના ગંડક કૉલોનીની છે. કહેવાઇ રહ્યુ છે કે,ગંડક કૉલોનીના ચીફ એન્જિનીયરના ઘરનું બાંધકામ કરાવવામાં આવ્યુ હતુ. આ ઘરના બાંધકામનો ઠેકો રમાશંકર સિંહને મળ્યો હતો. પીડિત રમાશંકરના પુત્ર રાણા પ્રતાપ સિંહ અનુસાર, ચીફ એન્જિનીયરના ઘરનુ નિર્માણ લગભગ 1 કરોડ 52 લાખ રૂપિયાના ખર્ચે કરાવવામાં આવ્યુ હતુ.



ઘરનું બાંધકામ પુરુ થઇ ગયા બાદ લગભગ 60 લાખ રૂપિયાનું ચૂકવણુ બાકી હતુ. આરોપ છે કે 60 લાખ રૂપિયાના પેમેન્ટ માટે મુખ્ય એન્જિનીયર મુરલીધર સિંહ દ્વારા 15 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી રહી છે. જેને લઇને કેટલાય મહિનાઓથી પેમેન્ટ અટક્યુ હતુ.

આ પેમેન્ટને લઇને રમાશંકર સિંહ ચીફ એન્જિનીયર મુરલીધર સિંહના નવનિર્મિત ઘરે ગયા હતા. રમાશંકર સિંહના પુત્રનો આરોપ છે કે જ્યારે તેના પિતા પૈસા લેવા માટે ચીફ એન્જિનીયર મુરલીધરના નવા ઘરે ગયા, ત્યારે ગાર્ડ રૂમમાં તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેને બાદમાં હૉસ્પીટલ લઇ જતાં પહેલા દમ તોડી દીધો હતો.



મૃતકના પરિવારજનોએ ચીફ એન્જિનીયર, તેની પત્ની, અને અન્ય લોકો સામે હત્યાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ચીફ એન્જિનીયર, અન્ય એન્જિનીયર, અને કાર્યપાલક એન્જિનીયર ઉપરાંત ચાર અજાણ્યા સામે એફઆઇઆઇર નોંધવામાં આવી છે.