KS Bhagwan Controversial Statement: હિંદુ ધર્મ, તેના ધર્મગ્રંથો અને હિંદુ ધર્મના માનવામાં આવતા ભગવાન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આજકાલ જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ વારંવાર તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે. હવે રામચરિતમાનસ વિવાદ બાદ કર્ણાટકના લેખક અને 'બુદ્ધિજીવી' કેએસ ભગવાને રામને લઈને વધુ એક વિવાદ સર્જ્યો છે. તેમણે ભગવાન રામ અને સીતા વિશે ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.
લેખક અને તથાકથિત બુદ્ધિજીવી એવા કેએસએ દાવો કર્યો કે 'વાલ્મીકિ રામાયણ'માં કહેવાયું છે કે ભગવાન રામ દરરોજ બપોરે તેમની પત્ની સીતા સાથે બેસીને દારૂ પીતા હતા. એટલું જ નહીં કેએસએ એમ પણ કહ્યું હતું કે, રામે પત્ની સીતાની પરવા કર્યા વગર જ તેમને વનમાં મોકલી દીધા હતાં.
કેએસ ભગવાને ભગવાન રામ અને સીતાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે આજે કહ્યું હતું કે, ભગવાન રામ તેમની પત્ની દરરોજ બપોરે તેમની પત્ની સીતા સાથે બેસીને દારૂ પિતા હતાં. તેમણે વગર વિચાર્યે જ પત્ની સીતાને પણ જંગલમાં ધકેલી દીધા હતાં. આ માટે તેમણે વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ હોવાનો દાવો કરી નાખ્યો હતો. આટલુ ઓછું હોય તેમ કેએસ ભગવાને એમ પણ કહ્યું હતું કે, રામે એક ઝાડ નીચે તપસ્યા કરી રહેલા શુદ્ર શમ્બુકનું માથું કાપી નાખ્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે રામ કેવી રીતે આદર્શ બની શકે? રામ રાજ્ય બનાવવાની વાત છે પણ વાલ્મીકિ રામાયણનો ઉત્તરકાંડ વાંચવાથી ખબર પડે છે કે (ભગવાન) રામ આદર્શ નહોતા. તેમણે 11,000 વર્ષ નહીં પરંતુ માત્ર 11 વર્ષ શાસન કર્યું હતું તેમ પણ કેએસ ભગવાને દાવો કર્યો હતો.
નશા અંગે આપી ચૂક્યા છે વિવાદાસ્પદ નિવેદનો
ડિસેમ્બર 2018માં પણ તેમણે આવો જ વિવાદ ઊભો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન રામ 'નશા' પીતા હતા અને સીતાને પણ તેનું સેવન કરાવતા હતા. તેમણે પોતાના પુસ્તક 'રામ મંદિર યેકે બેડા'માં પણ આ ટિપ્પણી કરી હતી. ત્યારે પણ તેમના નિવેદનનો ભારે વિરોધ થયો હતો. લેખકના ઘરની બહાર પણ લોકોએ ભગવાન રામની પૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો.
કેએસ ભગવાનના આ પ્રકારના નિવેદને ફરી વિવાદ સર્જ્યો છે. તેમના આ નિવેદનથી રાજકીય વિવાદ સર્જાય તેવી શક્યતા છે.
જાણો શું હતું ચંદ્રશેખરનું નિવેદન
આ અગાઉ બિહારના શિક્ષણ મંત્રી અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના નેતા પ્રોફેસર ચંદ્રશેખરે પણ આ પ્રકારનું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ચંદ્રશેખરે કહ્યું હતું કે, રામચરિતમાનસ પુસ્તક સમાજમાં નફરત ફેલાવતું પુસ્તક છે. તે સમાજના પછાત, મહિલાઓ અને દલિતોને શિક્ષણ મેળવતા અટકાવે છે. આ તેમને સમાન અધિકારો આપવામાં અટકાવે છે. ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે બાબાસાહેબ આંબેડકર પણ મનુસ્મૃતિની વિરુદ્ધ હતા. મનુસ્મૃતિ પછી રામચરિતમાનસે આ દ્વેષના યુગને આગળ વધાર્યો.