નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીમાં દરેક લોકો પોતાની રીતે મદદ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ગરીબોને મદદ કરવા ઘણા કિટ્સ વહેંચી રહ્યા છે, તો કોઈ અન્ય પ્રકારે મદદ કરી રહ્યા છે. આ કડીમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્નીનું નામ પણ જોડાયું છે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્ની સવિતા કોવિંદે બુધવારે રાષ્ટ્રપતિ ભવનના શક્તિ હાટમાં ફેસ માસ્કને સિલાઈ કરી હતી. દેશની પ્રથમ મહિલા સવિતા કોવિંદે ગરીબો માટે માસ્કને સિલાઈ કરીને મોટો સંદેશ આપ્યો છે.


આ માસ્ક દિલ્હી શહેરી આશ્રય સુધાર બોર્ડના વિવિધ શેલ્ટર્સ હોમમાં વહેંચવામાં આવશે. સિલાઈ દરમિયાન સવિતા કોવિંદે તેમના ચહેરા પર લાલ રંગનું માસ્ક પહેર્યુ હતું. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, સંક્રમણથી બચવા ઘરના કપડામાંથી બનેલું માસ્ક કે ગમછાનો ઉપયોગ કરી ખુદને સુરક્ષિત રાખી શકાય છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2248 છે. જેમાંથી 724 સાજા થઈ ચુક્યા છે અને 48 લોકોના મોત થયા છે.