દેશમાં કોરોનાના વધતા સંક્રમણે ફરીથી ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. દેશમાં હાલમાં ચાર લાખ 10 હજાર 952 નાગરિકો સારવાર હેઠળ છે. જ્યારે રિક્વરી રેટ પણ 97.36 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે ચાર લાખ 24 હજાર 351 નાગરિકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ત્યારે દેશમાં કોરોનાના કેસમાં હાલમાં તો ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ કેટલાક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતા કેંદ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધી છે.


કેરળમાં છેલ્લા 24 કલાકમાં નવા 20 હજાર 728 કેસ નોંધાયા છે. જ્યારે 65 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા એક લાખ 67 હજાર 379 પર પહોંચી ગઈ છે. કેરળ સિવાય મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ 78 હજાર 962 છે. કર્ણાટકમાં 24 હજાર 144 એક્ટિવ અને આંધ્ર પ્રદેશમાં 21 હજાર 19 અને તમિલનાડુમાં 20 હજાર 524 એક્ટિવ કેસ છે.


કોરોનાના વધતા કેસોથી સૌથી વધુ ચિંતા એ વાતની છે કે કોરોના સંક્રમણની આર વેલ્યુ વધી ગઈ છે. એક કોરોના સંક્રમિત વ્યક્તિ જેટલા લોકોને સંક્રમિત કરે છે તેને આર વેલ્યુ કહે છે. જો એક વ્યક્તિ બીજા વ્યક્તિને સંક્રમિત કરે તો તેની આર વેલ્યુ એક હોય છે. પરંતુ જો એક વ્યક્તિ બે લોકોને સંક્રમિત કરે તો તેની આર વેલ્યુ બે હશે.


દિલ્લી એઈમ્સના પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરીયાએ દેશમાં કોરોનાના વધતા સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરી છે.  તેમણે જણાવ્યું છે કે ભારતમાં કોરોના સંક્રમણની આર વેલ્યુ વધી રહી છે. જે એક ચિંતાનો વિષય છે. હાલમાં આર વેલ્યુ પોઈન્ટ 96થી વધીને એક પોઈન્ટ થઈ ગયુ છે. દેશના કેટલાક ભાગોમાં જે રીતે કેસ વધી રહ્યાં છે ત્યાં ત્વરીત રણનીતિ બનાવવાની જરૂર છે. ડૉ. રણદીપ ગુલેરીયાએ જણાવ્યું કે કોરોનાને લઈને જે રીતે લાપરવાહી વર્તવામાં આવી રહી છે. જો નાગરિકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો ત્રીજી લહેર આવવામાં સમય નહીં લાગે.