બેઇજિંગઃ ચીનમાં ફરી એક વખત કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ચીનની એક યુનિવર્સિટિમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા બાદ આશરે 1500થી વધારે વિદ્યાર્થીને હોટલ્સમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી મુજબ, ચીનના દાલિયાન પ્રાંતની નોર્થ-વેસ્ટર્ન સિટી સ્થિત ઝુંગાઝે યુનિવર્સિટીમાં એક સાથે અનેક કેસ સામે આવ્યા બાદ કેમ્પસ સીલ કરી દેવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ પર દેખરેખ રાખવા હોટલમાં મોકલી દેવામાં આવ્યા છે. જે સ્ટુડન્ટ ઓનલાઈન ક્લાસ અટેંડ કરી રહ્યા છે તેમને રૂમમાં જ જમવાનું આપવામાં આવી રહ્યું છે.


ચીનમાં જે વિસ્તારમાં કોરોનાના મામલા સામે આવે ત્યાં લોકડાઉન લગાવી દેવામાં આવે છે. ક્વોરન્ટાઈન, ટેસ્ટિંગ, ટ્રાવેલ રિસ્ટ્રિક્શન ત્યાંની મોટાભાગની વસતિ માટે ન્યૂ નોર્મલ બની ગયું છે. અહીં કોરોના સામે  રસીકરણ અભિયાન વેગીલું બનાવાયું છે. ચીનમાં કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી પણ થઈ રહી છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 38માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 141માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા  24 કલાકમાં 10,229 નવા કેસ નોંધાયા છે અને 125  સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.  11,926 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 523 દિવસના નીચલા સ્તર 1,34,096 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5848 કેસ નોંધાયા છે અને 46 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો 112,34,30,478 પર પહોંચ્યો છે.



  • કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 47 હજાર 536

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 49 હજાર 785

  • એક્ટિવ કેસઃ 1 લાખ 34 હજાર 096

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 655