નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના ચેપના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે દેશની ટોચની સાયન્સ રીસર્ચ સંસ્ખા ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી)એ લોકોમાં ફફડાટ ફેલાઈ જાય એવો દાવો કર્યો છે.  આ અભ્યાસ પ્રમાણે ભારતમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાં કોરોનાના કેસ 6.2 કરોડથી વધુ થઈ શકે છે જ્યાકે એક્ટિવ કેસની સંખ્યા 82 લાખ જેટલી હશે. આ સિવાય આ સમય સુધીમાં દેશમાં 28 લાખથી વધુ લોકોનાં કોરોનાથી મોત થઈ ગયાં હશે.


આઈઆઈએસસીના અભ્યાસમાં દાવો કરાયો છે કે દેશમાં 1 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના કેસ 35 લાખ જેટલા થઈ જશે. હાલમાં 10 લાખની આસપાસ કેસ છે તે જોતાં ત્રણ મહિનામાં જ કોરોનાના કેસ ત્રણ ગણા થઈ જશે. આમ  વર્તમાન કેસ કરતાં લગભગ સાડા ત્રણ ગણા વધુ કેસ થવાની શક્યતા છે.

અત્યારે દેશમાં સરેરાશ દૈનિક 30 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ અભ્યાસ મુજબ દેશમાં સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખ જેટલી થઈ શકે છે જ્યારે મૃત્યુઆંક 1.4 લાખ સુધી થઈ શકે છે.

આ અભ્યાસ મુજબ ભારતમાં 1 નવેમ્બર સુધીમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા એક કરોડને પાર જઈ શકે છે. 1લી નવેમ્બરે દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 1.2 કરોડ અને મૃત્યુઆંક પાંચ લાખ હોઈ શકે છે. જ્યારે જાન્યુઆરી સુધીમાં મૃત્યુઆંક વધીને 10 લાખ સુધી પહોંચી શકે છે. આ અભ્યાસ મુજબ 1 જાન્યુઆરીએ દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 2.9 કરોડ હોઈ શકે છે.

આઈઆઈએસસીના અભ્યાસમાં જણાવાયું છે કે, માર્ચ, 2021 સુધીમાં ભારતમાં કોરોના પીક પર પહોંચવાની શક્યતા નથી. માર્ચ 2021 સુધીમાં દેશમાં સૌથી સારી સિૃથતિમાં કોરોનાના કેસ 37.4 લાખ જેટલા નીચા સ્તરે હોઈ શકે છે. સૌથી ખરાબ પરિસ્થિતિમાં કોરોનાના કેસ 6.2 કરોડથી વધુ હશે, જેમાં એક્ટિવ કેસની સંખ્યા 82 લાખ જેટલી હશે. આ સિવાય આ સમય સુધીમાં દેશમાં 28 લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થઈ ગયા હશે. જોકે, સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ માર્ચ 2021માં ભારતમાં કોરોનાના કેસ પીક પર નહીં હોય.