નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ ફરીથી વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. આશરે દોઢ મહિના બાદ ભારતમાં એક દિવસમાં 24 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા રિપોર્ટ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 24,882 હજાર નવા કેસ નોંધાયા હતા અને 140 લોકોના મોત થયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,13,33,728 પર પહોંચી છે. જ્યારે કુલ 1,09,73,260 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 2,02,022 છે. જ્યારે 1,58,446 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 2,82,18,457 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 20,53,537 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોનાથી સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. વધતા સંક્રમણને પગલે મહારાષ્ટ્રના 9 શહેરમાં નાઈટ કર્ફ્યૂ જ્યારે 8 જિલ્લામાં કર્ફ્યૂ, લોકડાઉન અને કડક પ્રતિબંધના આદેશ કરાયા છે. મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી 10 જિલ્લા ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. મુંબઈ પાસે આવેલા મીરા-ભાયંદર વિસ્તારમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1,07,307 છે. જ્યારે 21,06,400 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના કુલ 52,667 લોકોને ભરખી ગયો છે.
દેશમાં 24 કલાકમાં કોરનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, દાદરા નગર હવેલી, કર્ણાટક, લદ્દાખ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા વગેરેમાં એક પણ મોત થયું નથી.
કોરોના સંક્રમિતોની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકા પછી ભારત સૌથી વધુ કેસ છે. મૃત્યુના કિસ્સામાં અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો પછી ભારત ચોથા ક્મે છે. દેશમાં કોરોના મૃત્યુ દર 1.40 ટકા છે રિકવરી રેટ 97 ટકાની આસપાસ છે. એક્ટિવ કેસ 1.74 ટકા છે. કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં 11 મા ક્રમે છે.