Coronavirus Cases Today: ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે.  રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 39,700 નવા કેસ નોંધાયા હતા અને 43,910 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જય્રે 491 લોકોના મોત થયા હતા. ગઈકાલે 617 લોકોના મોત થયા હતા.  આમ બે દિવસમાં 1108 લોકોના મોત થયા છે.


દેશમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3,19,34,455

  • એક્ટિવ કેસઃ 4,06,822

  • કુલ રિકવરીઃ 3,10,99,7711

  • કુલ મોતઃ 4,27,862


કેટલા ડોઝ અપાયા


દેશમાં અત્યાર સુધીમાં કુલ 50 કરોડ 68 લાખ 10 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  જેમાંથી ગઈકાલે જ 55,91,657 લોકોને રસીના ડોઝ અપાયા હતા.


ગુજરાતમાં 887 ગામડામાં 100 ટકા રસીકરણ 


 ગુજરાતને કોરોનામુક્ત બનાવવા રાજ્ય સરકારે રસીકરણને વેગવંતુ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. અત્યાર સુધી ત્રણેક કરોડ થી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે.જોકે, શહેરીજનો કરતાં ય ગામડાના લોકોએ લોકજાગૃતિના દર્શન કરાવ્યા છે કેમકે, ગુજરાતમાં 887 ગામડાઓ એવા છે જયાં 100 ટકા રસીકરણ થયુ  છે. આ ગામડાઓમાં તમામ ગ્રામજનોએ રસી લઇ લીધી છે.  ગુજરાતમાં અત્યાર સુધી 3,44, 19,588 લોકોને કોરોનાની રસી અપાઇ છે. હવે લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાતાં રસીકરણને વેગ મળ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, ગુજરાતમાં કુલ 887 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે. સાબરકાંઠા જિલ્લો મોખરે રહ્યુ છે કેમકે, આ જિલ્લામાં 86 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે.આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના 59, ભાવનગર જિલ્લાના 56, જામનગર જિલ્લાના 52, અમદાવાદ જિલ્લાના  43, છોટા ઉદેપુર જિલ્લાના 51, વડોદરા જિલ્લાના 37, અરવલ્લી જિલ્લાના 38 ગામડાઓ એવા છે જયાં બધાય લોકોએ રસી લઇ લીધી છે. નોંધનીય છેેકે, સફળ પાંચ વર્ષ પૂર્ણ થતા રૂપાણી સરકારે નવ દિવસ વિવિધ કાર્યક્રમ આયોજિત કર્યા છે જેમાં જે ગામમાં 100 ટકા રસીકરણ થયુ છે તે ગામના સરપંચોનુ ય સરકાર વતી સન્માન કરાયુ છે.   જોકે, ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, પાટણ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, આણંદ, નર્મદા સહિતના જિલ્લાઓ 100 ટકા રસીકરણમાં ખૂબ જ પાછળ રહ્યા છે


આ વિસ્તારોમાં લગાવો કડક પ્રતિબંધ


દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને અહીં નિયમોનું પાલન કરવાની સખત જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ  છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.આરોગ્ય મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુના સંક્રમણ દરની રિપોર્ટ કરનારા તમામ જિલ્લાઓમાં, લોકોની અવરજવરને રોકવા / ઘટાડવા, ભીડ અને લોકોને મળતા અટકાવવા માટે કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે.