નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર ઘાતક બની છે ત્યારે આ સંક્રમણને અટકાવવા અનેક રાજ્યએ લૉકડાઉન (Lockdown) લાદવાનો નિર્ણય કર્યો છે. રાજધાની દિલ્હીમાં લોકડાઉન થયા બાદ હવે ઝારખંડ સરકારે પણ એક અઠવાડિયા લોકડાઉન લાદી દીધું છે.
ઝારખંડ સરકારે (Jharkhand government) આ લોકડાઉનની 22 થી 29 એપ્રિલ સુધી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે, 22 એપ્રિલથી 'આરોગ્ય સંરક્ષણ સપ્તાહ' નામે ઝારખંડમાં એક અઠવાડિયનું લોકડાઉન કરવામાં આવશે.
કઈ કઈ વસ્તુઓ પર રહેશે છૂટછાટ
લોકડાઉન દરમિયાન કેટલીક સેવાઓને છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવશે. સાથે ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતુ ભક્તોના ટોળાને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય ખાણકામ, ખેતીકામ અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેશે.
ઝારખંડમાં કોરોના બેકાબૂ
આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે આપવામાં આવેલી જાણકારી મુજબ, રાજ્યમાં કોરોનાગ્રસ્ત 162945 માંથી 133479 દર્દી સ્વસ્થ થઈ ગયા છે અને તેમના ઘરે પરત ફર્યા છે. આ સિવાય 28010 અન્ય સંક્રમિતોની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 43691 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 3992 કેસની પુષ્ટી થઈ હતી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,59,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1761 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,54,761 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 53 લાખ 21 હજાર 089
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 31 લાખ 08 હજાર 582
કુલ એક્ટિવ કેસ - 20 લાખ 31 હજાર 9779
કુલ મોત - 1 લાખ 80 હજાર 530
12 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 71 લાખ 29 હજાર 113 ડોઝ આપવામાં આવ્યા છે.