સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે હવે દૂરદર્શન અને ડીડી ભારતી પર એવી સીરિયલ્સનું કમબેક થઈ રહી છે જેના આ પહેલા સુપરહિટ રહી હતી. હવે જ્યારે ‘રામાયણ’ અને ‘મહાભારત’ના એપિસોડ ટેલિકાસ્ટ થઈ રહ્યાં છે ત્યારે આ બન્ને શો બાદ ‘શક્તિમાન’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘ચાણક્ય’, ‘ઉપનિષદ ગંગા’ તેમજ ‘ક્રિષ્ના કાલી’ શોનું પણ ટેલિકાસ્ટ કરવામાં આવશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે.
સોશિયલ મીડિયા યૂઝર્સની માગણીને ધ્યાનમાં લઈને સુપરહિટ શોઝનું પ્રસારણ ફરીથી કરવામાં આવશે. જેમાં પહેલી એપ્રિલથી દૂરદર્શન પર બપોરે 1 કલાકે ‘શક્તિમાન’નું પ્રસારણ કરવામાં આવશે. આ શો બાદ બપોરે 2 કલાકે ‘શ્રીમાન શ્રીમતી’નું પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત ‘ક્રિષ્ન કાલી’ શો દૂરદર્શન પર રોજ રાતે સાડા આઠ કલાકે દર્શાવવામાં આવશે. આ સાથે જ ડીડી ભારતી પર ‘ચાણક્ય’ અને ‘ઉપનિષદ ગંગા’ પણ બપોરના સમયે દર્શાવવામાં આવશે.
નોંધનીય છે કે, દૂરદર્શન પર રામાયણ અને મહાભારત ઉપરાંત શાહરુખ ખાનનું સર્કસ અને વ્યોમકેશ બક્ષી પણ જોવા મળે છે. હવે જ્યારે જૂની યાદો ફરીથી તાજી થઈ રહી છે ત્યારે મુકેશ ખન્નાએ રામાયણ અને મહાભારતના ફરીથી પ્રસારણ અંગે એક વીડિયો પણ શેર કર્યો હતો.