મુંબઈ: સમગ્ર દેશમાં કોરોના વાયરસના 2500થી વધુ કેસો સામે આવી ચૂક્યા છે તેમાં પણ મહારાષ્ટ્ર તો કોરોના વાયરસના કેસોનું હોટ સ્પોટ બની ગયું છે. ત્યારે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈ માટે એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રેલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના 11 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સમાચાર સાંભળતાં જ ખળભળાટ મચી ગયો છે.

CISFએ જણાવ્યું હતું કે, મુંબઈ એરપોર્ટ પર તૈનાત CISFના 11 જવાનોનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી 142 જણાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. તેમાંથી ગુરુવારે ચારના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને અન્યોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યા છે.

CISFએ ઉમેર્યું હતું કે, એક જવાનનો પહેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હવે તેનું સેમ્પલ ત્રીજી વખત ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. તે આઈસોલેશન વોર્ડમાં છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના 423 કેસ નોંધાયા છે તેમાંથી ફક્ત મુંબઈમાં જ 235 કેસો નોંધાયા હોવાનું રાજ્યના હેલ્થ વિભાગે જણાવ્યું હતું.