Coronavirus Cases: દેશના કેટલાય ભાગોમાં છેલ્લા કેટલાય દિવસોમાં કોરોનાના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધતા જતા કોરોના કેસની વચ્ચે હવે કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારો ફરીથી એલર્ટ મૉડમાં આવી ગઇ છે. સરકારે ફરીથી એકવાર દેશમાં હરિયાણા, કેરળ અને પોંડુચેરીમાં માસ્ક ફરજિયાત કરી દીધા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અઠવાડિયાની શરૂઆતમાં સમીક્ષા બેઠક કરી હતી, અને રાજ્યોને એલર્ટ રહેવા અને આરોગ્યની તમામ સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા કરવાની સલાહ આપી હતી.


સોમવાર (10 એપ્રિલ) અને મંગળવારે (11 એપ્રિલ) સરકારી અને ખાનગી હૉસ્પીટલોની ઇમર્જન્સી ચકાસણીનું મૂલ્યાંકન કરવા માટે દેશવ્યાપી એક ખાસ મૉક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રીનું કહેવું છે કે, સરકારો કોરોનાના વધતા કેસોને અટકાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ICU બેડ, ઓક્સિજન સપ્લાય અને અન્ય તમામ મહત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેમજ દર અઠવાડિયે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.


કોરોના વાયરસનું સંક્રમણ વધવાનું કારણ - 
એક ઈન્ટરવ્યૂ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, કોરોના વાયરસનાં સંક્રમણની સંભવિત ચોથી લહેરથી એલર્ટ રહેવાની જરૂર છે. અગાઉનું કૉવિડ મ્યૂટેશન ઓમિક્રોનનું BF.7 સબ-વેરિઅન્ટ હતું, અને હવે XBB1.16 સબ-વેરિઅન્ટ કોરોનાના વધતા કેસોનું કારણ બની રહ્યું છે. જોકે, તેણે કહ્યું કે આનું પેટા વેરિઅન્ટ વધુ ખતરનાક નથી.


આ ત્રણ રાજ્યોમાં માસ્ક ફરજિયાત, નહીં તો દંડ - 


હરિયાણા - 
હરિયાણા સરકારે સાવચેતીના પગલા રૂપે જાહેર સ્થળોએ ચહેરા પર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગે લોકોને કૉવિડને યોગ્ય વર્તન કરવા અપીલ કરી છે. રાજ્યના તમામ ભાગોમાં તેનો અમલ થાય તે નક્કી કરવા જિલ્લા વહીવટી તંત્ર અને પંચાયતોને નિર્દેશ આપવામાં આવ્યો છે.


કેરળ - 
કેરળમાં પણ માસ્કને ફરજિયાત કરી દેવામા આવ્યું છે. કેરળમાં પ્રેગનન્ટ મહિલાઓ, વૃદ્ધો અને ગંભીર બિમારી વાળા લોકો માટે પણ માસ્ક ફરજિયાત બનાવાયા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે રાજ્યમાં COVID-19 ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું પણ આયોજન કર્યું હતું. તેમણે આરોગ્ય વિભાગને ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો, અને કહ્યું હતું કે ટૂંક સમયમાં ખાનગી હૉસ્પીટલોની વિશેષ બેઠક યોજવામાં આવશે.


પોંડુચેરી -  
પોંડુચેરી વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવી દીધુ છે. હૉસ્પીટલ, હૉટલ, રેસ્ટૉરન્ટ, દારૂની દુકાનો, હૉટલ અને મનોરંજન પાર્ક, સરકારી કચેરીઓ અને વ્યાપારી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ ફરજિયાતપણે માસ્ક પહેરશે, એમ એક નિવેદનમાં જણાવાયું છે.