સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે અને આંકડો ચાર હજારને પાર કરી ગયો છે જ્યારે મૃત્યુઆંક પણ 100ની ઉપર પહોંચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશમાં હવે કોરોના કેસોની સંખ્યા 4281ઉપર પહોંચી ગઈ છે જ્યારે મૃત્યુઆંક વધીને 111 થઈ ગયો છે. જેને પગલે રાજ્યોને વધુ સતર્ક રહેવાની સુચના જારી કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 24 કલાકમાં જ કોરોના વાયરસના કેસોમાં 214નો ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ આંકડો 4067 હતો જે હવે વધીને 4281 થઈ ગયો છે. જ્યારે મૃત્યુઆંક 111 પાર પહોંચ્યો છે. બીજી તરફ સારવાર પણ જડપથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 318 લોકો સાજા થઈ જતાં ઘરે જવાની છુટ આપી દીધી છે. જે કુલ કેસો સામે આવ્યા છે તેમાં 66 વિદેશીઓ છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર જોવા મળી છે જ્યાં કેસોની સંખ્યા વધીને 748 ઉપર પહોંચી ગઈ છે. આ સાથે જ 45 લોકોનાં મોત પણ નિપજ્યાં છે. તેવી જ રીતે તામિલનાડુમાં 571 અને દિલ્હીમાં પણ સૌથી વધુ 523 કેસો નોંધાયા છે.

અન્ય રાજ્યોમાં કોરોના વાયરસને કારણે થયેલા મૃત્યુના આંકડા પર નજર કરીએ તો દિલ્હીમાં સાત, ગુજરાતમાં 12, તેલંગાણામાં 7, મધ્ય પ્રદેશમાં 9, પંજાબમાં 6, કર્ણાટકામાં 4, પશ્વિમ બંગાળમાં 3, જમ્મુ કાશ્મીરમાં 2, ઉત્તર પ્રદેશમાં 3, કેરળમાં 2, આંધ્ર પ્રદેશમાં 3, તામિલનાડુમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. બિહાર અને હિમાચલ પ્રદેશમાં એક એક મોત નિપજ્યા છે.

અત્યાર સુધીમાં જે પણ લોકોના મૃત્યુ થયા છે તેમાં 63 ટકા લોકો એવા છે કે જેની ઉંમર 60 વર્ષથી વધુ હોય. 30 ટકા કેસો એવા છે કે જેમાં મૃત્યુ પામેલાની વય 40થી 60 વર્ષની હોય. જ્યારે સાત ટકા મૃતકોની ઉંમર 40 વર્ષની નીચેની છે. તબલિગી જમાતના આશરે 25 હજાર કાર્યકર્તાઓ અને સભ્યોની ચકાસણી કરવામાં આવી છે. તેઓ હરિયાણાના જે પાંચ ગામોમાં ગયા હતા તેને સંપૂર્ણપણે સીલ કરીને તપાસ ચાલી રહી છે.