નવી દિલ્હીઃ ભારતમાં ફરી એક વખત એક દિવસમાં કોરોનાના રેકોર્ડ મામલા સામે આવ્યા છે. હાલ દેશમાં અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધારે કેસ નોંધાઈ રહ્યા છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 69,652 નવા દર્દી સામે આવ્યા છે અને 977 લોકોના મોત થયા છે. અમેરિકા  અને બ્રાઝિલમાં ક્રમશઃ 43,237 અને 48,541 નવા મામલા આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 28 લાખ 36 હજાર 952 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 6 લાખ 86 હજાર થઈ છે અને 20 લાખ 96 હજાર 664 લોકો ઠીક થઈ ગયા છે. સંક્રમણના સક્રિય મામલાની તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 2.93 ગણી વધારે છે.



દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસના મામલે મહારાષ્ટ્ર ટોચ પર છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખ સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે બાદ બીજા નંબર પર તમિલનાડુ છે. એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાન પર છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી ભારત સૌથી વધારે પ્રભાવિત છે.

આઈસીએમઆરના જણાવ્યા મુજબ, દેશમાં 19 ઓગસ્ટ સુધીમાં 3 કરોડ 27 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 9 લાખ ટેસ્ટ બુધવારે જ કરવામાં આવ્યા હતા.