કોરોનાા વધતા કેસને લઈને રાજસ્થાનમાં 10 મેથી 24 મે સુધીનું સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામા આવી છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય કરાયો છે. 15 દિવસના સંપૂર્ણ લોકડાઉનની સાથે રાજસ્થાન સરકારે 31 મે સુધી લગ્ન સમારંભો યોજવા પર પણ પ્રતિબંધ મુક્યો છે. લગ્ન સમારંભ ઘરે અથવા કોર્ટ મેરેજના રૂપમાં જ કરવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં ફક્ત 11 લોકો જ સામેલ રહી શકશે.
તો ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા મનરેગાના કામો પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. સાથે જ તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં, એક શહેરમાંથી બીજા શહેરમાં અને શહેરમાંથી ગામડામાં કે ગામડામાંથી શહેરમાં જવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. રાજ્ય બહારથી આવતા લોકોને 72 કલાકનો આરટી પીસીઆર નેગેટિવ રિપોર્ટ દેખાડવો ફરજીયાત રહેશે.
મેડિકલ સેવાઓ સિવાયના તમામ પ્રકારના ખાનગી અને સરકારી ટ્રાન્સપોર્ટના સાધન જેમ કે બસ, જીપ વગેરે પૂરી રીતે બંધ રહેશે. આંતરરાજ્ય અને રાજ્યની અંદર માલસામાનનું પરિવહન કરનારા ભારે વાહનોની અવર જવર, માલના લોડિંગ અન અનલોડિંગની મંજૂરી હશે.
શ્રમિકોના પલાયનને રોકવા માટે ઉદ્યોગો અને બાંધકામ સંબંધિત તમામ એકમો કાર્યરત રહેશે. શ્રમીકોને અવર જવરમાં અસુવિધા ન થાય તે માટે ઓળખ પત્ર જે તે એકમો દ્વારા આપવાના રહેશે.
રાજસ્થાનમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 17532 કેસ સામે આવ્યા હતા જ્યારે 161 લોકોના મોત થયા હતા. રાજ્યમાં હાલમાં 198010 એક્ટિવ કેસ છે જ્યારે કુલ 5182 લોકોના મોત થયા છે.
નોંધનીય છે કે, રાજસ્થાન સિવાય અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન જેવા નિયંત્રમઓ લગાવવામાં આવ્યા છે. દિલ્હીમાં સૌથી પહેલા 19 એપ્રિલે રાત્રે 10 વાગ્યાથી 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. બાદમાં 25 એપ્રિલે તેને એક સપ્તાહ માટે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો જે 3 મે સવારે 5 વાગ્યે સમાપ્ત થવાનું હતું. બાદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને વધુ એક સપ્તાહ માટે વધારવાની જાહેરાત કરી હતી.
મધ્યપ્રદેશમાં 15 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે.
કર્ણાટકમાં 27 એપ્રિલની રાતથી 12 મે સુધી લોકડાઉન છે.
ઝારખંડ 22 એપ્રિલથી 6 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધ હેઠળ છે.
મહારાષ્ટ્રમાં 5 એપ્રિલના રોજ લોકહિતમાં લોકડાઉન જેવા હુકમો અને લોકોની અવરજવર પર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. બાદમાં મહામારીને રોકવા 15 મે સુધી પ્રતિબંધો લંબાવી દેવામાં આવ્યા હતા.