નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ ખતરનાક રીતે વધી ગયું છે. દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronavirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases in India) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.84 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન હવે સરકાર દ્વારા ઘરે ઘરે જઈને રસી આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. દેશની કેટલીક કંપનીઓએ આ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો સંપર્ક કરો છે. જેના પર ટૂંક જ સમયમાં ફેંસલો થઈ જશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારની યોજના આગામી ત્રણ મહિનામાં દેશની મોટાભાગની વસ્તીને રસી આપવાની છે. આ માટે 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ રસી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ મંજૂરી મળવાની સાથે જ લોકોને ઘરે ઘરે જઈ રસી આપવામાં આવશે.
અનેક ફાર્મા કંપનીઓને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને એક પ્રસ્તાવ આપ્યો હતો. જેમાં ઘણી કંપનીઓએ લોકોને ઘરે જઈને રસી આપવાની વાત કરી હતી. જોકે આ માટે કંપનીઓએ વ્યક્તિ દીઠ 25 થી 37 રૂપિયા ચાર્જ લેવાનો પ્રસ્તાવ પણ કેન્દ્ર સરકારને સોંપ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ કોઈ પણ કંપનીને મંજૂરી નથી આપવામાં આવી. જો ઘરે ઘરે જઈને રસી આપવાની વ્યવસ્થા કરાશે તો પ્રથમ તબક્કામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તેના સરકારી નેટવર્કનો ઉપયોગ કરશે.
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 11 લાખ 79 હજાર 578 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1027 લોકોના મોત થયા છે. જોકે 82,339 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 38 લાખ 73 હજાર 825
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 23 લાખ 36 હજાર 036
- કુલ એક્ટિવ કેસ - 13 લાખ 65 હજાર 704
- કુલ મોત - 1 લાખ 72 હજાર 085