નવી દિલ્હીઃ ભારતની સ્વદેશી કોરોના રસી કોવેક્સિન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રીજા તબકક્કાના ટ્રાયલ ડેટામાં તે 77.8 ટકા અસરદાર સાબિત થઈ છે. ભારત બાયોટેક તરફથી કેન્દ્ર સરકારની કમિટીને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. ત્રીજા તબક્કાના ડેટા મળ્યા બાદ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ મીટિંગ કરી હતી. જેમાં કોવેક્સિન તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. હવે આગળની પ્રોસેસ માટે એસઈસી પોતાના ડેટા ડીજીસીઆઈને સોંપશે.
કોવેક્સિનને આ ટ્રાયલના પરિણામ આવ્યા પહેલા જ આશરે પાંચ મહિના અગાઉ ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ હતી. ટ્રાયલ વગર મંજૂરી મળ્યા બાદ ઘણો વિવાદ પણ થયો હતો. માર્ચમાં ભારત બાયોટેકે ત્રીજા તબક્કના પરિણામનું પ્રથમ ડેટા જાહેર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે બીજા ડોઝ બાદ 81 ટકા સુધી કોરોના રોકી શકાય છ. ડેટામાં સંક્રમણ મામલે હોસ્પિટલમાં ભરતી થવાની સંભાવના પણ નહીંવત જોવા મળી હતી.
ભારતમાં કોવેક્સિન ઉપરાંત કોવિશીલ્ડ અને રશિયાની સ્પૂતનિક વી હાલ ઉપલબ્ધ છે. સરકારે કહ્યું કે તેઓ વેક્સિનના ઉપયોગ માટે અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝર અને મોર્ડના સાથે પણ કામ કરી રહ્યા છે. 20 જૂન સુધી દેશભરમાં 28 કરોડ 87 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 86 લાખ 16 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જે ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં આપવામાં આવેલા સૌથી વધુ રસીના ડોઝ છે.
દેશમાં 91 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત ત્રીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 42,640 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1167 લોકોના મોત થયા છે. જ્યારે 81,839 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96 ટકા છે. એક્ટિવ કેસ ઘઠીને 3 ટકાથી ઓછો થયો છે. કોરના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર
કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.