નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 લાખને પાર થઈ ગઈ છે. ભારતની ઘણી કંપનીઓ કોરોનાની રસી બનાવામાં લાગી છે. ત્રણ કંપનીઓ કોરોના રસીના એકથી ત્રણ તબક્કાના સ્ટેજમાં છે.  આ દરમિયાન ICMR કોરોના વાયરસની રસીને લઈ મહત્વની વાત કહી છે. સંસદની એક સમિતિ સમક્ષ આઈસીએમઆરના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, દેસી કોરોના વેક્સીનનું બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ લગભગ પૂરું થઈ ગયું છે. જો સરકાર ફેંસલો કરશે તો વેક્સીનને જલદી ઉતારવા માટે ઈમરજન્સી મંજૂરી પર વિચાર કરવામાં આવી શકે છે.


ICMRના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલી સંસદની સ્થાયી સમિતિના સભ્યોને જણાવ્યું કે, ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તરફથી વિકસિત વેક્સીન કેન્ડિડેટ હાલ ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે. આ જાણકારી બેઠકમાં હાજર એક સાંસદે આપી હતી.

ભારત બાયોટેક અને કેડિલા દ્વારા બનાવવામાં આવી રહેલી વેક્સીન બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ પૂરા કરવા નજીક છે. સાંસદે જણાવ્યું કે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની મદદથી સીરમ ઈન્સ્ટિટ્યૂટ જે વેક્સીન બનાવી રહ્યું છે તે ગત સપ્તાહે ટ્રાયલના ફેઝ-2(બી)માં પ્રવેશી ચુકી છે. દેશભરમાં 17 કેન્દ્રો પર 1700 દર્દીઓ પર ટ્રાયલ થઈ રહી છે.

સ્થાયી સમિતિની બેઠકમાં હિસ્સો લેનારા સાંસદ મુજબ, જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે લોકોએ હજુ આ મહામારી સાથે ક્યાં સુધી જીવવું પડશે. જેના જવાબમાં ભાર્ગવે કહ્યું, સામાન્ય રીતે અંતિમ તબક્કાના પરીક્ષણમાં છ થી નવ મહિનાનો સમય લાગે છે. પરંતુ જો સરકાર ફેંસલો કરે તો ઈમરજન્સી મંજૂરી પર વિચાર કરી શકાય છે. જેનો હેતુ છે કે જો સરકાર વેક્સીન માટે નક્કી કરવામાં આવેલા પ્રોટોકોલ્સમાં ઢીલ આપીને તેને જલગી લોંચ કરવાનો ફેંસલો કરે તો આઈસીએમઆર તેના પર વિચાર કરશે.