નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો બે કરોડને પાર અને એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.


કઈ બાબતો ધ્યાનમાં રાખશો


દેશમાં કોરોનાને નાથવા પહેલી મેથી 18 વર્ષથી મોટા તમામ લોકોને રસી આપવાની શરૂઆત થઈ છે. જોકે ઘણા રાજ્યમાં રસીના અપૂરતા સ્ટોકના કારણે રસીકરણ શરૂ થઈ ચૂક્યું નથી. યુવાનોમાં રસીને લઈ જેટલો ઉત્સાહ જોવા મળે છે, તેટલી જ બેદરકારી પણ જોવા મળે છે. આ સંજોગોમાં જો તમે પણ રસી લેવા જતાં હો તો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.



  • વેક્સીન સેન્ટર પર જો તમારા કોઈ પરિચિત મળી જાય તો હાથ મિલાવવાથી કે ગળે મળવાથી દૂર રહો. હાય-હેલો કે નમસ્તે કરો. ઉપરાંત વેક્સીનની લાઇનમાં ઉબા રહેતા સમયે આગળ-પાછળ ઉભેલા લોકો સાથે વાત ન કરો. કારણકે તેમાંથી જો કોઈ સંક્રમિત હોય તો ચેપ લાગી શકે છે.

  • વેક્સીન સેન્ટર પર એન-95 માસ્ક પહેરીને અથવા ડબલ માસ્ક પહેરીને જાવ. ડબલ માસ્કમાં એક કોટનનું અને એક સર્જિકલ માસ્ક ઉત્તમ રહેશે.

  • વેક્સીન સેન્ટર સુધી પહોંચતા આપણો હાથ અનેક વસ્તુઓને અડ્યો હોય છે. જેમાં અજાણતાં આવી ગયેલો વાયરસ શરીરમાં પ્રવેશ કરી શકે છે. તેથી હાથમાં ગ્લવસ પહેરો અને તે સમયે ચહેરાને બિલકુલ સ્પર્શ ન કરો. ગ્લવસ પહેર્યા બાદ પણ સેનિટાઇઝર લગાવીને સાફ કરતાં રહો. જેથી સંક્રમણનો ખતરો ન રહે.

  • ડોક્ટરોના કહેવા મુજબ અનેક લોકો માસ્ક પહેર્યા બાદ પણ વારંવાર માસ્કને બહારથી ટચ કરતા રહે છે. આવું બિલકુલ ન કરો. કારણકે માસ્કની બહારની સપાટી પર સંક્રમિત વાયરસ હોઇ શકે છે.



15 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 89 લાખ 32 હજાર 133 ડોઝ આપવામાં આવ્યા છે.


 દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  બે કરોડ 2 લાખ 82 હજાર 833

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 66 લાખ 13 હજાર 292

  • કુલ એક્ટિવ કેસ - 34 લાખ 47 હજાર 133

  • કુલ મોત - 2 લાખ 22 હજાર 408