નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બાદ આજે મોદી સરકારના બે દિગ્ગજ નેતાઓ રસી લેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દિલ્હીમાં અને રવિશંકર પ્રસાદ પટનામાં રસી લેશે. કોરોનાની રસીને લઈ લોકોમાં વિશ્વાસ વધારવા ભાજપે નિર્દેશ આપ્યો હોવાથી મોદી સરકારના મંત્રીઓ રસી લઈ રહ્યા છે.


સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું, પીએમ મોદીએ ખુદ રસી લગાવીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકોના મનમાં કોઈ શંકા ન રહે તે માટે ખુદ આગળ આવીને રસી લીધી હતી. દેશભરમાં કોરોના વાયરસના રસીકરણનો ત્રીજી તબક્કો સોમવારથી શરૂ થઈ ગયો છે. જેમાં સમગ્ર દેશમાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 45 વર્ષથી ઉપરની અને અન્ય બીમારી હોય તેવી વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવાનું શરૂ થયું છે.

ગઈકાલે મોદીએ રસી લીધા બાદ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, કોરોના વાયરસ સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી આપવામાં જે ઝડપથી આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યુ છે તે ઉલ્લેખનીય છે. જે લોકો વેક્સીન લેવા યોગ્ય છે તે તમામને વેક્સીન લેવાની અપીલ કરું છું. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ.