નવી દિલ્હીઃ સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. ત્યારે કોરોનાની રસીને રશિયાને મોટી સફળતા મળી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, દેશમાં તૈયાર કરાયેલી કોરોનાની રસીના ઉપયોગ માટે રજિસ્ટ્રેશ થઈ ગયું છે અને તેમની દીકરીને રસી આપવામાં આવી છે.


આ દરમિયાન ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, દેશમાં ડિસેમ્બર સુધીમાં કોરોનાની રસી આવવી જોઈએ. સીરમે ઓક્સફોર્ડ સાથે કોરોના વાયરસની રસી બનાવવા માટે ભાગીદારી કરી છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ વેક્સીનના 10 કરોડ ડોઝ ના ઉત્પાદન માટે ગાવિ એન્ડ બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે કરાર કર્યો છે. અદાર પૂનાવાલાએ એક નિવેદનમાં કહ્યું, આપણી પાસે વર્ષના અંત સુધીમાં વેક્સીન હોવી જોઈએ. અમે આઈસીએમઆર સાથે ભાગીદારીમાં હજારો દર્દીઓ સાથે ભારતમાં પરીક્ષણ કરીશું.

કંપનીએ પહેલા કહ્યું હતું કે, એક ડોઝની કિંમત ત્રણ ડોલર આશરે 225 રૂપિયા નક્કી કરવામાં આવી છે.  બિલ એન્ડ મેલિંડા ગેસ્ટ ફાઉન્ડેશન 15 કરોડ ડોલરની જોખમ રહિત રકમ ઉપલબ્ધ કરાવશે, જેનો ઉપયોગ સંભવિત રસીના નિર્માણમાં કરવામાં આવશે. જેનાથી ભવિષ્યમાં ઓછી તથા મધ્યમ આવકવાળા દેશો વેક્સીન ખરીદી શકશે.