મંગળવારથી દેશભરમાં કોરોના સામેની લડાઈનો શુભારંભ થયો છે. સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે અને પહેલા જ દિવસે 13 રાજ્યોમાં કોરોનાની રસી પહોંચી હતી. કડક સુરક્ષા વચ્ચે પૂણેની સીરમ ઈંસ્ટીટ્યુટમાંથી હવાઈ માર્ગે દેશના 13 રાજ્યોમાં કોરોનાની રસીના 55 લાખ ડોઝ પહોંચાડવામાં આવ્યા હતા.


સ્વદેશી વેક્સીન કોવિક્સિનના 56 લાખ ડોઝ પણ સરકારે મંગળવારે સાંજે મેળવી લીધા હતા. દેશમાં 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વકર્સને રસી આપવાની શરૂઆત થશે.

ડીસીજીઆઈએ કોરોનાની બે રસીઓને ઈમરજંસી વપરાશ માટે મંજૂરી આપી છે. ત્યારે હાલ તો લોકોને કઈ રસી લેવી તેનો વિકલ્પ આપવામાં નહીં આવે. 28 દિવસના અંતરે રસીના બે ડોઝ અપાશે અને તે 14 દિવસે અસરકારક બનશે. તો ઝાડયસ, કેડિલા, ફાઈઝર, સ્પુતનિક સહિતની રસીઓ પણ ક્લિનિકલ ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે. આગામી દિવસોમાં આ રસીઓને પણ ઈમરજંસી વપરાશની મંજૂરી આપવામાં આવી શકે છે.