નવી દિલ્હીઃ ભારતમાં કોરોના રસીકરણ વેગીલું બનાવવા સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. હાલ દેશમાં કોવીશીલ્ડ અને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલીક કંપનીઓ પણ રસીને લઈ પરીક્ષણ કરી રહી છે. ભારતમાં અમેરિકન કંપનીની રસી પણ ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે.


સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સપ્ટેમ્બર સુધીમાં દેશમાં અમેરિકન કંપની નોવાવેક્સની કોવિડ-19 રસી કોવાવેક્સને ભારતમાં લોન્ચ કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.




ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા નવમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે, જોકે મૃત્યુઆંક ઘટ્યો છે. આજે 67,208 નવા કેસ નોંધાયા હતા  અને 2330 લોકોના મોત થયા હતા.  મંગળવારની સરખામણીએ બુધવારે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો હતો. બુધવારે દેશમાં 62,224 કેસ નોંધાયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે.  


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,208 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,03,570 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2330 લોકોના મોત થયા છે.



  • કુલ કેસઃ બે કરોડ 97 લાખ હજાર 313

  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 84 લાખ 91 હજાર 670

  • એક્ટિવ કેસઃ 8 લાખ 26 હજાર 740

  • કુલ મૃત્યુઆંકઃ 3,81,903


દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 55 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 27 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 52 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 19 લાખ 31 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95.80 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 3.22 ટકા છે, જયારે સતત નવ દિવસથી 5 ટકાથી ઓછો છે.