નવી દિલ્હી: એર ઈન્ડિયાએ ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને આજે એક સ્પેશ્યલ ફ્લાઈટ મોકલી તેમને પરત લાવવા માટે કામ શરૂ કર્યુ છે. ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે ભારતીય નાગરિકોને પરત લાવવા માટેનું મિશન એર ઈન્ડિયાએ શરૂ કર્યું છે. ચીનના વુહાનમાં આશરે 650 ભારતીય નાગરિકો હાજર છે જેમને બે ઉડાન દ્વારા ભારત પરત લાવવાના છે. એર ઈનિડિયાની પ્રથમ ફ્લાઈટ ડબલડેકર જંબો 747 છે, જેમાં 15 કેબિન ક્રૂ અને 5 કૉકપિટ ક્રૂ મેમ્બર હાજર છે. આ ફ્લાઈટમાં આશરે 400 મુસાફરોને પરત લાવી શકાય છે. ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આજે આ ફ્લાઈટ બપોરે 12.30 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશલ એરપોર્ટથી રવાના થઈ છે. આજે રાત્રે 2વાગ્યે ફ્લાઈટ વુહાનથી ભારતીય નાગરિકોને લઈને દિલ્હી પરત આવશે. એર ઈન્ડિયા આજે દિલ્હીથી આવી જ એક ફ્લાઈટ વુહાન માટે મોકલશે. જે ફ્લાઈટને વુહાન મોકલવામાં આવી છે તેમાં દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના પાંચ ડૉક્ટર અને એક પૈરામેડિકલ સ્ટાફની ટીમ પણ સાથે છે. તેમની સાથે જરૂરી દવાઓ,માસ્ક, ઓવરકોટ, ફૂડ પણ મોકલવામાં આવ્યું છે. કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધી મૃતકોની સંખ્યા 213 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 9,692 લોકોને કોરોના વાઈરસનું ઈન્ફેક્સન થયું હોવાનું જાણવા મળ્યું છે. હુબેઈ શહેરમાં સૌથી વધારે 204 લોકોના મોત થયા છે અને અહીં 5,806 લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ વાઈરસના લક્ષણ જણાતા એક લાખથી વધારે લોકો અંડર ઓબ્ઝર્વેશનમાં રખાયા છે.