નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મેનિફેસ્ટો જાહેર કરતા કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, કેટલીક ચીજો મફતમાં આપીને દિલ્હીનું ભવિષ્ય બની શકે નહીં. શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ સંકલ્પ પત્ર જાહેર કરતા કહ્યું કે, દિલ્હીના  નસીબને અમે બદલીશું. દિલ્હીમાં હવા અને પાણી પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા છે. અમારી કેન્દ્ર સરકાર દ્ધારા બંન્ને દિશામાં મોટા કામ કરવામાં આવી રહ્યા છે.


ભાજપે દિલ્હીવાસીઓને ભ્રષ્ટાચારમુક્ત સરકારનું વચન આપ્યું છે. તે સિવાય નવી અધિકૃત કોલોની માટે ડેવલોપમેન્ટ બોર્ડ, ભાડે રહેતા લોકોના હિતોની રક્ષા કરવી, દિલ્હીને ટેન્કર માફીયાથી મુક્ત કરાવવાનું પણ વચન આપવામાં આવ્યું છે. તે સિવાય ભાજપે તમામ ઘરમાં નળથી શુદ્ધ પાણી પહોંચાડવાનું  પણ વચન આપ્યુ છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દિલ્હીમાં 200 નવી સ્કૂલ, 10 નવી મોટી કોલેજ શરૂ કરવાની યોજના જાહેર કરી હતી. તે સિવાય આયુષ્યમાન, વડાપ્રધાન આવાસ, કિસાન સમ્માનનિધિયોજના લાગુ કરવાનું  પણ દિલ્હીવાસીઓને વચન અપાયું છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી અને અન્ય સ્થાનિક નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.


સમુદ્ધ દિલ્હી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાની પણ જાહેર કરવામા આવી હતી. આ માટે ભાજપે 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચની વાત કરી છે. ઉપરાંત કોલેજ જનારા ગરીબ વિદ્યાર્થીઓને  ઇલેક્ટ્રિક સ્કૂટી મફતમાં આપવાની વાત કરાઇ છે. નીતિન ગડકરીએ કહ્યું કે, અમારી સરકારનું ધ્યાન દિલ્હીમાં સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવાની છે. કેન્દ્ર સરકાર જે નિર્મલ ગંગા હેઠળ 7000 કરોડ઼ના પ્રોજેક્ટ ચલાવી રહી છે જેહેઠળ દિલ્હીમાં સ્વચ્છ પાણીની સુવિધા મળશે. અમારી સરકારે વેસ્ટર્ન-ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે  બનાવવાનું કામ કર્યું છે.