નવી દિલ્હીઃ દેશના અલગ અલગ રાજ્યોમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે મોટા સમાચાર આસામથી આવી રહ્યા છે. આસામમાં લોકડાઉન વધારવામાં આવ્યંછે. આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ શુક્રવારે જાહેરાત કરી કે કોરોના વાયરસના પ્રસારની તપાસ કરવા માટે ગુવાહાટીમાં હાલના લોકડાઉનને આગામી બે સપ્તાહ સુધી સોમવારથી વધારવામાં આવી રહ્યું છે.


તેમણે કહ્યું કે, રાજ્યના કામરુપ જિલ્લામાં 28 જૂનની રાતથી સંપૂર્ણ લોકડાઉન હશે. અહીં લોકડાઉન 14 દિવસ સુધી ચાલશે, આ નિર્ણય કોરોનાના કેસમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. દવાની દુકાનો લોકડાઉન દરમિયાન ખુલી રહેશે.



તેમણે કહ્યું કે, આગામી અઠવાડીયે ફક્ત દવાઓની દુકાનો જ ખુલ્લી રહેશે. રાજ્યમાં કોરોના માટે કડક લોકડાઉનની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રવિવાર સુધીમાં જરૂરી વસ્તુની ખરીદી કરી લેવી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી બે અઠવાડીયા સુધી આસામમાં રાતના સમયે કર્ફ્યુ રહેશે. 15 જૂનથી ગુવાહાટીમાં કોરોનાના દર્દીની સંખ્યા વધતા રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય કરાયો છે. 6300થી પણ વધારે કોરોના વાયરસના કેસની સાથે સાથે આસામ, પૂર્વોત્તર વિસ્તારમાં સૌથી વધારે કેસમાં મોખરે છે. રાજ્યમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 9 લોકોના જીવ ગયા છે.