નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં યથાવત છે. ભારતમાં કોરોના વાયરસના બે પોઝીટિવ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં તાજેતરમાં ઈટાલીની યાત્રાથી પરત આવનાર વ્યક્તિમાં આ રોગના લક્ષણ જોવા મળ્યા છે. આ ઉપરાંત બીજો કેસ તેલંગાણામાંથી સામે આવ્યો છે. તેલંગાણામાં કોરોના વાઈરસનો આ દર્દી તાજેતરમાં જ દુબઈથી પરત આવ્યો હતો. હાલ તો બંને દર્દીની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે બંનેની હાલત સ્થિર છે.

ચીનમાં કોરોના વાયરસનો કહેર યથવાત છે. કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં 2800 લોકોના મોત થયા છે, જ્યારે આશરે 79 હજાર કરતા વધારે લોકો હાલ કોરોના વાયરસથી સંક્રમિત છે. ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં પહોંચી ગયો છે. હવે ભારતમાં બે કેસની પુષ્ટિ થઈ છે.

ચીનથી બહાર અન્ય દેશોમાં કોરોના વાઈરસનો પ્રકોપ વધતો જાય છે. ઈરાનમાં 14 લોકોના મોત થયા છે. ભારત અહીંથી ભારતીયોને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં 85 ભારતીય વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે એકબીજાથી અલગ પાડી દેવામાં આવ્યા છે. અમુક વિદ્યાર્થીઓએ ભારત પરત આવવા માટે એર ટીકિટ બુક કરાવી હતી પરંતુ કોરોના વાઈરસના કારણે રોજ ફ્લાઈટો રદ થઈ રહી છે. ઈટાલીમાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે અને 1694 નવા કેસ નોંધાયા છે. જ્યારે દુનિયામાં કોરોના વાઈરસના કારણે થયેલા મોતનો આંક 3 હજારને પાર થઈ ગયો છે.