લવ અગ્રવાલે કહ્યું કે, ICMRના રિસર્ચથી જાણવા મળ્યું છે કે, COVID 19 દર્દી લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરે તો 30 દિવસમાં 406 લોકોને સંક્રમિત કરી શકે છે. જો આપણે લોકડાઉન કરીએતો એક વ્યક્તિ માત્ર 2.5 લોકોને જ સંક્રમિત કરી શકે છે. તેમણે કહ્યું કે, લોકડાઉનને આગળ વધારવા માટે હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો. માટે કોઈપણ જાતની અટકળો લગાવવામાં ન આવે.
લંડનની એક કોલેજના રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે આ કોરોના વાયરસ વધુ લોકોને સંક્રમિત કરી શકે છે. આ રિસર્ચમાં એવું જણાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ આ ચેપ 3 લોકોમાં ફેલાવે છે, પછી તે 3 વ્યક્તિ બીજા 3 વ્યક્તિમાં ફેલાવે છે. આ રીતે આ 10 વખત થાય છે. એટલે કે એક વ્યક્તિ દ્વારા 59,000 લોકોને સંક્રમણ થઈ શકે છે. કારણકે સ્પેન, ઈટાલી, અમેરિકામાં કોરોના વાયરસના ચેપની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ છે. કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 175 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધારે 83 કેસ નોંધાયા છે. જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 75,897 લોકોના મોત થયા છે. જ્યારે 293,452 લોકો આ બીમારીમાંથી સાજા થયા છે.