નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે 18 જૂને કોવિડ-19નો મૃત્યુ દર 3.3 ટકા હતો જે હવે ઘટીને 2.25 ટકા થયો છે. જ્યારે મધ્ય જૂનમાં રિકવરી રેટ આશરે 53 ટકા હતો જે હવે 64 ટકાથ વધુ થઈ ગયો છે. મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 35,176 દર્દીઓને રજા મળ્યાની સાથે જ દેશમાં સંક્રમણથી સ્વસ્થ થતા લોકોની સંખ્યા 9,52,743 પર પહોંચી ગઈ છે.


સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 'મધ્ય જૂનમાં કોવિડ-19 મૃત્યુ દર 3.33 ટકા હતો જે મંગળવારે ઘટીને 2.25 ટકા થયો છે. ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે, જ્યાં મૃત્યુ દર ઓછો છે.'

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું અલગ-અલગ ક્ષેત્રમાં યોગ્ય રણનીતિ, ઘરે -ઘરે જઈ ટેસ્ટ, ટેસ્ટની સંખ્યામાં વધારો, હોસ્પિટલના મામલે યોગ્ય સગવડ જેવા પ્રયાસોના કારણે મૃત્યુદર ઓછો કરવામાં સફળતા મળી છે.

સતત પાંચમાં દિવસે દેશમાં 30,000થી વધુ લોકો સંક્રમણથી સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, જૂનના મધ્યમાં સ્વસ્થ થતા લોકોની ટકાવારી 53 ટકા હતી જે મંગળવારે 64.24 ટકા થઈ છે.