નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 79 લાખને પાર પહોંચી ગઈ છે. દેશના ઘણા રાજ્યમાં તહેવારોની સીઝનના કારણે કોરોના વાયરસ સંક્રમણનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગલવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં તહેવારોના કારણે કોરોના સંક્રમણના કેસમાં વધારો આવ્યો છે. જો કે રાતની વાત એ છે કે, છેલ્લા પાંચ અઠવાડિયામાં ડેથ રેટમાં ઘટાડો આવ્યો છે.


માત્ર પાંચ રાજ્યમાં 49.4 ટકા કેસ

હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 49.4 ટકા કેસ માત્ર કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં નોંધાયા છે. તહેવારોની સીઝન પણ તેનું મોટું કારણ હોઈ શકે છે. આ ખૂબજ ચિંતાજનક વિષય છે અને અમે આ રાજ્યોની સરકારો સાથે સતત ચર્ચા કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, કોરોનાના કુલ એક્ટિવ કેસના 78 ટકા તો દેશના 10 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે આજે પ્રેસ કોન્ફ્રરન્સમાં જણાવ્યું કે, જો દિવાળીના તહેવાર દરમિયાન સાવધાની નહીં રાખવામાં આવે તો કોરોના ફરીથી કહેર મચાવશે.

નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે કહ્યું કે, યુરોપીયન દેશોમાં કોરોના વાયસની બીજી લહેર પહેલા આવેલી તબાહી કરતા પણ મોટી નજર આવી રહી છે. લોકો પર બિમારીનું સંકટ મંડરાઈ રહ્યું છે. અહીં મહામારી એકવાર ફરી ચરમસીમાએ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 36,469 નવા કોવિડ કેસ અને 488 લોકોના મોત થયા છે. કોરોનાથી દેશમાં કુલ મૃત્યુઆંક 1,19,502 પર પહોંચ્યો છે. દેશમાં હાલ 6,25,857 એક્ટિવ કેસ છે અને 71,01,070 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 79,46,429 પર પહોંચી છે.