નવી દિલ્હી: દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 3 હજાર નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ નોંધાતા કોરોના સંક્રમિતોની સંખ્યા 60 હજારની નજીક પહોંચી ગઈ છે. દિલ્હીમાં હવે 59746 લોકો કોરોના સંક્રમિત છે. જ્યારે એક દિવસમાં 1719 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.

આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દિલ્હીમાં ત્રણ હજાર અથવા તેનાથી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા હોય. શનિવારે એક દિવસમાં સૌથી વધુ 3630 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે શુક્રવારે 3137 નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 63 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2175 પર પહોંચી ગયો છે.



કોરોનાના કારણે દિલ્હીમાં કુલ 261 કન્ટેઈનમેન્ટ ઝોન છે. દિલ્હી સરકારના સ્વાસ્થ વિભાગ તરફથી જાહેર બુલેટિન અનુસાર, રાજ્યમાં હાલમાં 24558 લોકોના સંક્રમણની સારવાર ચાલી રહી છે જ્યારે 33013 લોકો સારબાદ સંક્રમણમાંથી મુક્ત થયા છે અથવા શહેરની બહાર જતા રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 3,70,014 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દિલ્હી સરકારે એક સંશોધિત આદેશ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત એવા દર્દીઓ જેમને ગંભીર બિમારી નથી તેમણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી, તેઓ ઘરમાં આઈસોલેશનનો વિકલ્પ પસંદ કરી શકે છે.