નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રવિવારે દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 4 લાખને પાર પહોંચ્યો છે. એક દિવસમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 15413 નવા કેસ નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4,10,461 કોરોનાના કેસ છે. જેમાંથી 2,27,756 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 13254 દર્દીઓના મોત થયા છે.


દેશમાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશમાં રિકવરી રેટ એટલે સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં હાલના સમયે સંક્રમણથી 2,27,756 દર્દી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 13925 દર્દીઓ સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોના વાયરસ સામે લડી સ્વસ્થ થતા લોકોની દર એટલે કે રિકવરી રેટ 55.59 ટકા છે. છેલ્લા ઘણા દિવસોથી તેમા સુધારો થઈ રહ્યો છે.

ભારતમાં હાલના સમયે કુલ 1,69,451 એક્ટિવ દર્દીઓ છે, તેની સારવાર ચાલી રહી છે. જ્યારે ભારતમાં સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા એક્ટિવ દર્દીઓથી વધુ છે. આ સંખ્યા 58305 વધુ છે.

સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યાની સાથે સાથે ટેસ્ટિંગ લેબની સંખ્યા પણ વધી રહી છે. આ સમયે ભારતમાં કુલ 981 લેબ છે જ્યા કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. જેમાંથી 722 સરકારી લેબ છે જ્યારે 259 ખાનગી લેબ છે.