મુંબઇઃમહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે 42 લોકો સંક્રમિત થયા છે. આ કારણે મહારાષ્ટ્ર આવનારી અને જનારી તમામ ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. બુધવારે મુંબઇથી દિલ્હી જઇ રહેલી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાંથી કોરોના વાયરસના ચાર શંકાસ્પદ મુસાફરોને પાલઘર સ્ટેશન ઉતારવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરો મુંબઇથી સુરત આવી રહ્યા હતા.  ત્યારબાદ તમામને  સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.



પશ્વિમ રેલવેએ આપેલી જાણકારી અનુસાર, તમામ ચારેય શંકાસ્પદના હાથ પર હોમ કોરોંટાઇનનો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હતો. આ તમામ લોકો જર્મનીથી પાછા ફર્યા હતા. તમામ મુસાફરોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણોના કારણે તેમને 14 દિવસ ઘર પર રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેમ છતાં તેઓ ટ્રેનમાં સફર કરી સુરત આવી રહ્યા હતા. હાથમાં સ્ટેમ્પ લગાવવાના કારણે તેમની ઓળખ ટ્રેનમાં ટીટીઇએ કરી હતી. બાદમાં તેમને પાલઘર રેલવે સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યા હતા. બાદમાં તેઓને સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં  કોરોના વાયરસના 42 પોઝિટીવ કેસ સામે આવ્યા છે.