કોરોના વાયરસના કારણે વૈષ્ણોદેવીની યાત્રા બુધવારે તત્કાળ પ્રભાવથી બંધ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરસ્ટેટ બસોની સર્વિસ પણ બંધ કરાઇ છે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધી કોરોના વાયરસના ત્રણ પોઝિટીવ કેસ સામે આવ્યા છે.
ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ થનારી આરતીને પણ રદ કરવામાં આવી છે. બનારસમાં દશાશ્વમેઘ ઘાટ પર સાંજે થનારી આરતી હવે ફક્ત સાંકેતિક રીતે થશે. અગાઉ અહી સાત પ્લેટફોર્મ પર સાત બ્રાહ્મણો દ્ધારા આરતી થતી હતી જે હવે ફક્ત એક પ્લેટફોર્મ પર થશે. તે સિવાય બેંગલુરુમાં પણ ઇસ્કોન મંદિરને બંધ કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસના કારણે સુપ્રીમ કોર્ટના કામકાજ પર પણ ફેર પડી રહ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટના ચાર રૂમમાં જ અરજન્ટ કેસની સુનાવણી થશે. આ સાથે જ કોર્ટમાં સ્ટાફની સંખ્યા ઓછી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ સિવાય અનેક રાજ્ય હાઇકોર્ટે પણ એવી વ્યવસ્થા લાગુ કરી છે.