મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણને લઈને પૂણેમાં 13 જૂલાઈથી 23 જૂલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્રના થાણેમાં સંપૂર્ણ લોકડાઉન 19 જૂલાઈ સુધી વધારવામાં આવ્યું છે. પુણેના ડિવિઝનલ કમિશનર દીપર મ્હૈસેકરે કહ્યું કે 13 જૂલાઈથી 23 જૂલાઈ સુધી પુણે, પિંપરી-ચિંચવડ અને ગ્રામ્ય પુણેના કેટલાક ભાગમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. માત્ર દૂધ અને મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ જેવી જ આવશ્યક સેવાઓ સંબંધિત દુકાનો ખુલ્લી રહેશે.

પુણેના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નવલ કિશોર રામે જણાવ્યું કે પુણે જિલ્લાના ગ્રામ્ય ભાગોમાં 22 ગામની ઓળખ કરાઈ જ્યા લોકડાઉન લાગૂ કરવામાં આવશે. પુણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તાર સિવાય આ ગામડાઓને કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવશે.



મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું તમે ઈંગ્લેન્ડનું ઉદાહરણ જુઓ. ઈંગ્લેન્ડમાં પણ બીજી વખત લોકડાઉન લાગૂ કરાયું છે. તેમણે કહ્યું જ્યારે લોકો નિયમોનું પાલન નહી કરે તો (લોકડાઉન)ના નિર્ણય લેવામાં આવે છે. અમે થાણેમાં પણ લોકડાઉન લાગૂ કર્યું છે. જ્યારે કેટલીક જગ્યાઓ પર કેસ વધે છે તો આ પ્રકારના નિર્ણય લેવામાં આવે છે.

આ સિવાય પુણે મ્યુનિસિપલ કમિશનર શેખર ગાયતવાડે કહ્યું કે 18થી 23 જૂલાઈ સુધી બીજા તબક્કામાં મેડિકલ સ્ટોર, ડેરી, હોસ્પિટલો અને આવશ્યક સેવાઓને ખુલ્લી રાખવામાં આવશે.

ભારતમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ગુરૂવાર સુધીના આંકડા મુજબ અહીં 2 લાખ 23 હજાર 724 કેસ સામે આવ્યા છે. જ્યારે મુંબઈમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની કુલ સંખ્યા વધીને ગુરૂવારે 88795 થઈ હતી જેમાં 1282 નવા કેસ સામેલ છે.