નવ દિલ્હી: કોરોના વાયરસે દેશ સહિત સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે ઈટલીમાં તો કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. જેને લઈને શટડાઉની સ્થિતિ જોવા મળી રહી છે જેમાં અનેક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઈટલીમાં ફસાયેલા 263 ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી ભારત આવવા રવાના થઈ ગયા છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ તેમને ભારત લઈને આવવા માટે રવાના થઈ ગઈ છે. બીજી તરફ આજે સમગ્ર દેશ ‘જનતા કર્ફ્યુ’ને સમર્થનમાં આવી ગયો છે. ઈટલીની મદદથી ભારત પોતાના નાગરિકોને પાછા લાવવા માટે સફળ રહ્યું છે.



કોરોના વાયરસને કારણે ઈટલીની સ્થિતિ બહું જ ખરાબ થઈ છે. ત્યારે ત્યાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે. જેમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ભારતના 263 વિદ્યાર્થીઓને લઈને ભારત આવવા માટે રવાના થઈ ગઈ છે.



ભારત પરત ફરનારા તમામને ક્વોરન્ટાઈન કરવામાં આવશે. તેમની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. બીજી તરફ ઈટલી સરકારના અધિકારીઓએ ભારતીય નાગરિકોની તમામ સુવિધાનું ધ્યાન રાખી તેમને પરત લાવવામાં મદદ કરી છે.



દુનિયાભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. વિશ્વમાં 13,050 લોકોનાં મોત નિપજ્યાં છે. ઈટલીની સ્થિતિ ચીન પછી બીજા ક્રમે આવે છે. ત્યારે ઈટલીમાં શનિવારે 793 લોકોનાં મોત નિપજ્યાં હતા. ત્યાં સ્થિતિ એવી છે કે મૃતકોની દફનવિધી માટે માણસો ન મળતા હોઈ આર્મી દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. ઈટલીમાં મરનારની સંખ્યા 6557 થઈ ગઈ છે.