નવી દિલ્હી: ભારતમાં જીવલેણ કોરોના વાયરસની કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 7 થઈ ગયો છે. સુરતમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જે ગુજરાતાં આ વાયરસથી પ્રથમ મોત છે.  આ પહેલા બિહારના પટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું.

અત્યાર સુધી કુલ 341 કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. આ પહેલા શુક્રવારે ભારતમાં 298 કોરોનાના દર્દી હતા પરંતુ તેના આગલા દિવસે વધીને સંખ્યા 341 થઈ ગઈ છે. જેમાંથી 39 વિદેશી છે. રાહતના સમાચાર એ છે તેમાંથી 24 લોકો સારવાર બાદ સ્વસ્થ પણ થઈ ગયા છે.



કોરોના વાયરસની અસર 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂકી છે. સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે. કેરળમાં 40, ઉત્તર પ્રદેશમાં 24, દિલ્હીમાં 26, તેલંગણા 21, રાજસ્થાન 17, હરિયાણામાં 17, પંજાબમાં 13, ગુજરાતમાં 14 અને કર્ણાટકમાં 15 મામલા સામે આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો પુડુચેરીમાં 1, લદાખ 13, જમ્મુ કાશ્મીર 4 અને ચંડીગઢમાં 1 કેસ સામે આવ્યો છે.


આ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે, દેશમાં કોરોના વાયરસ હવે ઝડપથી પગ પેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોના બીજા સ્ટેજ પર છે. પરંતુ જે રીતે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે ભારતમાં કોરોના ગમે ત્યારે ત્રીજા સ્ટેજમાં એન્ટ્રી કરી શકે છે.