Coronavirus: કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. જેમાં રાજ્યોને સ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે વર્તમાન સ્થિતિમાં કોરોનાના કેસમાં વધારા વચ્ચે માત્ર પાંચથી 10 ટકા સક્રિય કેસને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે.
પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને કેસોની ગતિ પણ દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા પણ ઝડપથી વધી શકે છે. આપણે આ માટે તૈયાર રહેવું પડશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ કેસ અને સક્રિય કેસની સંખ્યા પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે.કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે.