નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની બીજી લહેરના (Coronavirus Second Wave) વળતાં પાણી શરૂ થયા છે અને દૈનિક કેસમાં પણ ઘટોડા થવા લાગ્યો છે. જોકે આ દરમિયાન સ્વિત્ઝરલેન્ડની ડ્રગ કંપની રોશે અને સિપ્લાએ સોમવારે 'એન્ટીબોડી કોકટેલ' (Antibody Cocktail) દવા લોન્ચ કરી હતી. મેદાંતા હોસ્પિટલના ફાઉન્ડર ડૉક્ટર નરેશ ત્રેહાનના કહેવા પ્રમાણે 'એન્ટીબોડી કોકટેલ' દવાથી 70 ટકા સુધી હોસ્પિટલાઈઝેશન બચી જાય છે. મતલબ કે આ દવા લેનારા 70 ટકા લોકોએ હોસ્પિટલ નથી જવું પડતું. ડૉ. ત્રેહાનના કહેવા પ્રમાણે અમુક કેસમાં બાળકોને પણ આ દવા આપી શકાય છે.
અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) કોરોના થયો ત્યારે તેમને પણ આ દવા આપવામાં આવી હતી. આ દવાથી તેઓ સાજા થઈ ગયા હતા. સિપ્લા ભારતમાં 'એન્ટીબોડી કોકટેલ'ના વિતરણનું કામ કરશે અને હાલ તે દેશમાં અમુક પસંદગીના સ્થળોએ જ ઉપલબ્ધ રહેશે. જેમ કે મેદાંતા હોસ્પિટલ ખાતેથી તે મળી રહેશે.
કેવી રીતે બને છે આ દવા
'એન્ટીબોડી કોકટેલ' કાસિરિવિમાબ (Casirivimab) અને ઈમ્દેવીમાબ (Imdevimab) એમ 2 દવાઓનું મિશ્રણ છે. આ દવાઓના 600-600 MG ભેગા કરવાથી 'એન્ટીબોડી કોકટેલ' દવા તૈયાર થાય છે. આ દવા હકીકતે વાયરસને માનવીય કોશિકાઓમાં જતા અટકાવે છે. જેથી વાયરસને ન્યૂટ્રિશન નથી મળતું. આ રીતે આ દવા વાયરસને રેપ્લિકેટ કરતા અટકાવે છે.
સિંગલ ડોઝની કેટલી છે કિંમત
ડૉ. ત્રેહાનના કહેવા પ્રમાણે આ દવા 70 ટકા જેટલી પ્રભાવશાળી છે. મતલબ કે જે લોકોને હોસ્પિટલ લઈ જવાની જરૂર લાગે તેમને આ દવા આપવામાં આવે તો હોસ્પિટલ લઈ જવાની જરૂર નહીં રહે. આ દવા મૃત્યુદરને પણ 80 ટકા સુધી ઘટાડી શકે છે. 'એન્ટીબોડી કોકટેલ'ના એક સિંગલ ડોઝની કિંમત તમામ ટેક્સ ઉમેરીને 59,750 રૂપિયા થાય છે.
બાળકોને પણ આપી શકાશે દવા ?
કોરોના પોઝિટિવ આવ્યાના 48થી 72 કલાકની અંદર આ દવા લઈ શકાશે. તેને લેતા 20-30 મિનિટનો સમય લાગી શકે છે અને ત્યાર બાદ દર્દીને 1 કલાક સુધી મોનિટરિંગમાં રાખવામાં આવે છે. આ દવા બાળકોને પણ આપી શકાય પરંતુ તેમનું વજન લઘુત્તમ 40 કિગ્રા હોવું જોઈએ.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 69 લાખ 48 હજાર 874
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861
- કુલ એક્ટિવ કેસ - 25 લાખ 86 હજાર 782
- કુલ મોત - 3 લાખ 07 હજાર 231
19 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 85 લાખ 38 હજાર 999 ડોઝ આપવામાં આવ્યા છે.