ઈન્દોરઃ કોરોના  વાયરસને ફેલાતો અટકાવવા સ્વાસ્થ્યકર્મીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓ લોકોના ઘરે તેમની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન દેશમાં ઘણી જગ્યાએ સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. ઈન્દોરમાં ફરી એક વખત સ્વાસ્થ્યકર્મીઓની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે.

ઈન્દોરના પલાસિયા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિનોબા નગરમાં સર્વે કરી રહેલા સ્વાસ્થ્ય વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બચાવ કરવા વચ્ચે પડેલા પડોશીને પણ ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા. સર્વે ટીમમાં ડોકટર, ટીચર, પેરામેડિકલ અને આશા કાર્યકર્તાઓ તથા આશા વર્કરો સામેલ હતા.
હુમલો કરનારો વ્યક્તિ આ વિસ્તારનો ગુંડો જણાવવામાં આવી રહ્યો છે. હુમલા બાદ સ્વાસ્થ્યકર્મીઓ પોલીસ સ્ટેશન ગયા હતા અને સમગ્ર ઘટના ક્રમનું વર્ણન કર્યુ હતું.

હુમલાખોરોએ સર્વે ટીમમાં સામેલ શિક્ષિકાને થપ્પડ મારી અને તેનો મોબાઈલ પણ તોડી નાંખ્યો હતો. ઈન્દોરમાં પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી છે.