નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ભારતમાં પણ કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 1700થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 38 જેટલા લોકોનાં મોત થયા છે. તેની વચ્ચે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતમાં વિદેશીઓનાં આવવા પર 1 ફેબ્રુઆરીથી જ પ્રતિબંધ કેમ નહોતો લગાવ્યો. જો રોક લગાવામાં આવી હોત તો તબલીગી જમાત જેવો કિસ્સો બનતો નહીં.

સ્વામીએ ટ્વીટ કરીને લખ્યું કે, 1 ફેબ્રુઆરીની આસપાસ વિદેશીઓને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હોત તો તબલીગી જેવી સ્થિતિ ન સર્જાતી. આ સિવાય જે ભારતીય દેશ પરત આવી રહ્યાં હતા, તેમને એરપોર્ટ નજીક કોઈક હોટલ હસ્તગત કરીને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન કરી દીધાં હોત તો પણ આ સ્થિતિ સર્જાતી નહીં. આખરે પ્રતિબંધમાં આટલો સમય કેમ લાગ્યો ?



ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને દેશમાં વિમાન, રેલવે, મેટ્રો, બસ વગેરે સેવાઓ છેલ્લા કેટલાક દિવસથી બંધ છે. દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેની વચ્ચે દિલ્હીના નિજામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકજમાંથી અનેક લોકો કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગઈ છે. તેના બાદ દિલ્હી પોલીસે 2317 લોકોને ત્યાંથી હટાવી દીધાં છે અને 600થી વધુ લોકોને હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.