નવી દિલ્હીઃ કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, જો કોઈ સ્વાસ્થ્ય કર્મી (ડોક્ટર, નર્સ કે સફાઈ કર્મી)નું મોત કોરોના વાયરસના દર્દીની સારવાર દરમિયાન થશે તો તેમના પરિવારને એક કરોડ રૂપિયા આપવામાં આવશે. સરકારી અને ખાનગી ક્ષેત્રના તમામ સ્વાસ્થ્ય ક્રમીને આ લાગુ પડશે.


દિલ્હીમાં કોવિડ-19 માટે બનાવવામાં આવેલી હોસ્પિટલોના એમએસ અને પ્રમુખો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠક કરી હતી. જેમાં આ ફેંસલો લેવામાં આવ્યો. દિલ્હી સરકારે કહ્યું કે, કોરોનાની જંગ લડી રહેલા ડોક્ટરોને શહીદો જેવું સન્માન મળશે.


દિલ્હીમાં શું છે કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ


દિલ્હીમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 121 પોઝિટિવ મામલા સામે આવ્યા છે. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલના બે રેસિડેન્ટ ડોક્ટર્સનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં એક ડોક્ટર અને થર્ડ યર પીજી સ્ટુડન્ટ (બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ) સામેલ છે.


બુધવારે દિલ્હીના સરકારી હોસ્પિટલના ડોક્ટરનો કોરોના પોઝિટિવ આવ્યો છે તે દિલ્હી સરકારના દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં કાર્યરત છે. આ હોસ્પિટલ કે ડોક્ટરને કોરોના સાથે કોઈ લેવા-દેવા નથી. હોસ્પિટલના જણાવ્યા મુજબ, હોસ્પિટલ બિલ્ડિંગ, ઓપડી અને લેબને બંધ કરીને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે.