નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના પોઝિટિવના દર્દીની સંખ્યા 900ને પાર કરી ગઈ છે, જ્યારે 19 લોકોના મોત થયા છે. કોરોનાને રોકવા શનિવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ભાજપના તમામ સાંસદો કોવિડ-19 વાયરસને અટકાવવા એક મહિનાનો પગાર સહાયતા કોષમાં આપશે.

આ પહેલા એક ટ્વિટ કરીને તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો તેમનો એક મહિનાનો પગાર કોરોના વાયરસને અટકાવવા અને જરૂરિયાતમંદ લોકોની સહાયતા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોમાં મદદ માટે કેન્દ્રીય રાહત કોષમાં દાન કરશે.



ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને નિર્દેશ આપતા બેઘર લોકોને રહેવા-જમવાનો પ્રબંધ કરવા કહ્યું છે. લોકડાઉનના કારણે અન્ય રાજ્યોમાંથી મજૂરી માટે આવેલા મજૂરોની રોજગારી બંધ થઈ છે. આ કારણે તેમને ખાવા-પીવાની મુશ્કેલી પડી રહી છે. ઘણા મજૂરો પાસે રહેવા મકાન નથી, તેથી તેઓ ભાડું ચુકવવા પણ સમર્થ નથી. તેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પત્રો લખીને આ દિશામાં જરૂરી પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.