નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ભારતીય રેલવે દ્ધારા આઇસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા છે. દર્દીઓ માટે રેલવેના ડબ્બાઓને આઇસોલેશન વોર્ડમાં ફેરવવા માટે મધ્ય બર્થને એક તરફથી હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે દર્દીઓના સામેથી ત્રણેય બર્થ હટાવી દેવામાં આવ્યા છે. સાથે બર્થ પર ચઢવા માટે તમામ સીડી હટાવી દેવામાં આવીછે. આઇસોલેશન કોચ તૈયાર કરવા માટે બાથરૂમ અને અન્ય ક્ષેત્રોને સંશોધિત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 800ને પાર પહોંચી ચૂકી છે.



ઉત્તર રેલવેના પ્રવક્તા દીપક કુમારે કહ્યું કે, રેલવેએ એસી વિનાના ટ્રેનના ડબ્બાઓમાં ફેરફાર કરીને કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે એક આઇસોલેશન વોર્ડનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. આગામી કેટલાક દિવસોમાં કેટલાક સૂચનોને અંતિમ રૂપ આપ્યા બાદ પ્રત્યેક રેલવે ઝોન દર સપ્તાહ 10 ડબ્બાઓ સાથે નિર્માણ કરશે. બાદમાં તેને ગ્રામીણ વિસ્તાર અથવા જે ક્ષેત્રમાં જરૂર હશે ત્યાં ઉપલબ્ધ કરાવશે.ચીન. ઇટાલી અને અમેરિકાની સ્થિતિ જોઇને ભારત સહિત તમામ દેશ કોરોના વાયરસ સામે લડવા યુદ્ધસ્તર પર તૈયારી કરી રહ્યા છે. ભારત સરકાર ખરાબ સ્થિતિ માટેની પણ તૈયારી કરી રહી છે.