નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકની સંખ્યા 900ને પાર કરી ગઈ છે. જ્યારે આ વાયરસથી 20 લોકોના મોત થયા છે. Lockdownના કારણે ટ્રેન, બસ, ફ્લાઇટ સહિતની સેવાઓ બંધ હોવાના કારણે અન્ય રાજ્યમાંથી આવેલા મજૂરોએ તેમના વતન જવા દોટ મૂકી છે. જેના કારણે ઘણા રાજ્યોની બોર્ડર પર મજૂરોના થપ્પા લાગી ગયા છે. આ સ્થિતિને લઈ ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી તેમના પલાયનનો રાકવા જણાવ્યું છે.


ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને નિર્દેશ આપતા બેઘર લોકોને રહેવા-જમવાનો પ્રબંધ કરવા કહ્યું છે. લોકડાઉનના કારણે અન્ય રાજ્યોમાંથી મજૂરી માટે આવેલા મજૂરોની રોજગારી બંધ થઈ છે. આ કારણે તેમને ખાવા-પીવાની મુશ્કેલી પડી રહી છે. ઘણા મજૂરો પાસે રહેવા મકાન નથી, તેથી તેઓ ભાડું ચુકવવા પણ સમર્થ નથી. તેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પત્રો લખીને આ દિશામાં જરૂરી પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.



આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, લોકડાઉન દરમિયાન તમામ રાજ્ય તેમને ત્યાં રહેતા બેઘર અને પલાયન થઈ રહેલા મજૂરો માટે અસ્થાયી રહેઠાણ, જમવા, કપડા, દવા સહિત વસ્તુઓનો પ્રબંધ કરે.



બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકડાઉનમાં ફસાયેલા લોકોને બોલાવવાના ફેંસલાને ખોટો ગણાવતાં કહ્યું કે, તેનાથી પ્રધાનમંત્રીનું લોકડાઉન ફેઇલ થઈ જશે.